નિવૃત્તિ નિવાસ

April 28, 2008

                 નિવૃત્તિ નિવાસ                               લે. સરયૂ પરીખ

    “આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.

    ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.

           જ્યારે દીકરો વહુ ઘરડા ઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’
         દીકરાને થાય કે હવે કોઈ ઓફીસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનુ કહી ક્યારની યે ગઇ. ‘બહારથી તો મકાન સારુ દેખાય છે. આગળના રુમની સજાવટ પણ સારી છે.ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યુ એ સારું છે.’ મહેશની નજર મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાં ઘરમાં લઇ જ આવ્યા. દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતાં બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

         અંતે નિવ્રુત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યા અને જરુરી કગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને જરા ડાયાબિટિસ સિવાય કાંઇ બિજી તકલિફ નહોતી. અહિં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી.મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઇને આવવાનુ કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા.રુમ પાસે પંહોચતા જ હસતો અવાજ સંભળાયો,
“હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”
“અવન્તિકા” એમણે ધીમથી જવાબ આપ્યો.
” મજાનુ લાંબુ નામ છે.હું તમને મિસિસ.એન્ કહું તો વાંધો નથીને?”
“ભલે” અવન્તિકાબહેને રસવગર જવાબ આપ્યો.

       સરગમ એમનાં દીકરા વહુને પણ પ્રેમથી મળેલી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગયેલી. સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું.
મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.
‘ અરેરે! અહીં તો ભગવાનનુ મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’
  સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતુ નહોતું.
‘ મારા ઠાકોરજીને અહીં જરાય નહિં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’

  ” જુઓ બા આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી,” આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
  ” હાં ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે,’હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું! મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.’
   
     રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી ,” ધ્યાન રાખજો”, કહીને દીકરો-વહુ જતાં રહ્યાં.અવન્તિકાબહેન એક્લાં રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહિં કેટલી વાર બેસી રહ્યાં હતાં. અણજાણ, બે આંખોમાંથી આંસુની ધારા એમનાં પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમનાં બાપુ કહેતાં,”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં બાપુને આમ યાદ કરશે! યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

           બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા.
   “મને સરગમબહેને વાત કરી કે તમારૂં નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”
   ” હાં,ચાલો.” એમને સારૂં લાગ્યુ કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહિ પીવી પડે. જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઇએ ધ્યાન આપ્યુ નહિ. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા.
      અવન્તિકાબહેનને થયું,’આ ચા તો બહુ ગળી છે.મને પસંદ એવું અહીં મને કાંઇ નહિ મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યા,” એ સરગમબહેન! અહીં આવો તો.” સરગમ ઊભા થઇને આવ્યા અને સીધાં જ અવન્તિકાબહેન પાસે આવી ને બેઠાં.
 ”ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી.
 ” હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યા.” આ પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબહેનનાં મુખ ઊપર હાસ્ય આવ્યુ.
   પેસ્તનજી કહે,” સોજ્જો તમો અહિં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ માંડ માથું હલાવ્યુ.
    વિનયભાઈએ પુછ્યું, “ક્યાંના છો?”
    અવન્તિકાબહેન, ” ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, એક ભાઈનું કુટુંબ જ છે.” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.સરગમ સામે જોઈને જાણેં મદદ માંગી રહ્યાં. સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મુક્યો અને બધાં સામે જોઈ બોલ્યા,” ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.”પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેનાં ટેકે ટેકે બહાર ગયા.

       લીલાબહેને કહ્યું,”  ચાર વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની
                           જરૂર હોય તો કે’જો.”
        અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.
        સામેના મોટાં હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાનાં મોટાં રમી શકે એવી રમતો હતી. કેટલાયેં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. કેટલાંક
પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં.
        વિનયભાઈએ પૂછ્યું,” અવન્તિકાબહેન્,બ્રીજ રમતાં આવડે છે?”
         ” હાં, થોડું થોડું. થોડાં દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણાંમાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો-સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો.
‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યા! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું.’
  ગર્વ સાથ યાદ આવ્યુ,’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઊં.કેવા આરતી કરતાં શીખી ગ્યા’તા.મીનળ અને મહેશ કીધાં કરે,”આ બધી અંધશ્રધ્ધા છે.”પણ સાંભળે કોણ? એમને શું ખબર પડે!’
   “અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા. 

          

      સરગમ સહાનુભૂતિપૂર્વક કહે,”અવન્તિકાબહેન, તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિં
  પડે પણ હિંમત નહિં હારતા,ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી
  રહીએ તો બધે ગમે.” પણ અવન્તિકાબહેનના મનનાં વિરોધ વંટોળ કાંઈક બીજું જ
   સાંભળતાં હતાં. ‘મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ
   માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતાં. ઘર કેવું પવિત્ર થાય! બસ
   હવે તો બધી માંડવાળ. આટલાં કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’મહેશ
   કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું.
         આમ મુંઝવણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરલી.બીજે દિવસે
   સવારનાં નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂં કરી.
    “તમે અંહી ક્યારથી છો?”
    “પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણાં કાને સંભળાતુ નથી.મને
        વાંચવાનો બહુ શોખ.કેટલીયે ચોપડીઑ વાંચ્યા કરૂં છુ.” લીલાબહેન પાતળી
   કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં.
   અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે,” તો તમે પહેલાં શું
     નોકરી કરતાં હતાં?”
    “મને સ્ટ્રોક આવેલો.મને વાંચવાનો બહુ શોખ. લીલાબહેન એમની ધૂનમાં બોલતાં
     હતાં.અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી
     રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે
     છે. ત્યાર બાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.

              અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલાં ઊપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી.’ ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળાવતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી!’એમને યાદ આવી ગયું.
    પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી-આમ અવન્તિકાબહેન ગૌરવસહિત બધાને કહેતા. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં.મંદિર જવું, પૂજાપાઠ કરવાં, એને જ ધર્મ સમજતાં.રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનુ પણ ખરૂં. “મારૂં તો કોઈ સાંભળતુ જ નથી.હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ છે કોઈને મારી દરકાર!’
     બારણાં પર ટકોરાં પડ્યા અને સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?
     “હાં, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો.”આ જુઓ, મારા દીકરાઓ અને નાના સુનીલ અને સુમન.” સરગમ ફોટાઓની સામે જોઈ રહી હતી.
     અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ.” મેં જ આ બેયને મોટા કર્યા,સાંચુ કહું છુ. રાતદિવસ બે બાળકોની સાંચવણી કરી છે.મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવરાવ્યા.પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”
   “શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.
   ” મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો.”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રધ્ધા.દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા,ને હાથમાં ટીલા કર્યા.સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારૂં થઈ જશે.મારા બાબા ગુરૂની રક્ષા.પણ ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.
     ડોક્ટરે પૂછ્યુ, ” દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”
     મીનળ કહે,”બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે.હમણાં એમને બોલાવીને પૂછું.”
     મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી.ડોક્ટર,મહેશ અને મીનળના ગુસ્સાભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે.ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતાં રહ્યાં.હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી.મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો,”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ્, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી.”
     મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઊદાસ ચહેરે મારી પાંસે બેઠો.કહે,”બા!અમે
 કહીયે છીએ કે અંધશ્રધ્ધા છોડી દો પણ પથ્થર ઊપર પાણી.હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે.દિવસે દિવસે તમારૂં અહીં રહેવાનુ અશક્ય બનતુ જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય
લઈ લીધો છે.”
      મેં કહ્યુ,”તમને કશી સમજ નથી પડતી.બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીયે મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ  મટી ગઈ હતી.”
     “હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”
     “હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.”
     મને લાગ્યુ કે જાણે મહેશને ચક્કર આવી ગયા. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

        સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલ્યા,” અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રધ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”
     અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યા એટલે છોકરઓ એમ માનવાં માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

      સરગમ ઠંડકથી બોલ્યા,” કશો વાંધો નહિ. ચાલો હવે બને તેટલું ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કાંઈક શીખીને આપણીં આજ સુધારવાની છે.”

                 આવા ઘણાં પ્રસંગૉ સરગમ સાથેનાં યાદ કરતાં અવન્તિકાબહેન ફરી પાછાં બૉલ્યા,”અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?” આ ચાર મહિનાઓમાં એમનૉ એકે દિવસ સરગમ સાથે વાતૉ કર્યા વગર પૂરૉ નથી થયૉ. રૉજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યાં હતાં. છોકરાઑનૉ કાગળ આવ્યૉ હતૉ એ સરગમને બતાવવાનૉ હતૉ. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારૉની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પૉતાને પણ ખબર ન રહી.
        નારાયણભઈ ઉતાવળા આવ્યા અને બોલ્યા,” આવન્તિકાબહેન! અશુભ સમાચાર છે. સરગમ આજે વહેલી સવારે હ્રદરૉગના હુમલાથી મ્રુત્યુ પામ્યા.” અવન્તિકાબહેન પથારી પર બેસી પડ્યાં,”અરેરે! આવા અણધર્યા સમાચાર? એના હસતાં ચહેરાને જોયા વગર મારા દિવસૉ કેમ જશે!”  મનુષ્ય સ્વભાવ, સ્વચિંતા પહેલી કરશે.
    અવન્તિકાબહેન, આંખનાં આંસુ લુછતાં, લીલાબહેન સાથે વાતૉએ વળગ્યા.
     ” સરગમબહેન કેટલાં ભલા હતાં. જે પરિસ્થિતિમાં હતાં એમા સંતૉષથી રહેતાં.કૉઇ દિવસ પૉતાના દીકરા-વહુનુ કે બીજાનું ખરાબ નહૉતાં બૉલ્યા. બસ પ્રેમ આપવામાં જ મશગુલ હતાં.”
        —-

               આ પછી સરગમની યાદમાં અવન્તિકાબહેનના દિવસૉ પસાર થઈ રહ્યા છે. એમનાં સહજ રીતે કહેલા વાક્યો ફરી ફરીને યાદ આવ્યા કરે છે. એમણે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવનન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિ નિવાસમાં ગમવા માંડ્યુ હતું. પૉતે કકળાટ કરતા હતાં એનાં જેવુ કાંય ખરાબ નહૉતુ લાગતુ. ‘અંહી મને એકલી નાખી ગયા’
એ ભાવને બદલે સરખી ઉંમરનાનૉ સહવાસ સારૉ લાગવા માંડ્યૉ. હવે તો અમુક રમતૉ અને ક્યારેક બ્રીજની પત્તાની રમત પણ ઉત્સાહથી રમે છે. 

                            સરગમબહેન કહેતા કે પૌત્રૉને ઉછેરવામાં મદદ કરૉ તે તૉ યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે.એમણે આ બે પંક્તિઓ કહેલી,

   “કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી
      કર્મ અકર્મ વિકર્મની સાથે,સુકર્મની રીતિ હું સમજી”—-સ. પરીખ

       આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવન વ્યવહારમાં જૉયું. હવે એમને સમજાય છે કે આ ભાવ સહિત થોડી જાગૃતિ સાથે કુટુંબમાં જીવ્યા હોત તો પણ આનંદ મંગળ રહયા હોત.

      સુનીલ, સુમન અને મહેશનૉ છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં. સરગમને વંચાવવાનો ભાવ થઈ આવ્યો.ફરી વખત વાંચતાં જાણે સરગમનુ તાદ્દશ ચિત્ર ખડું થયું. એ અવસ્થામાં એની સાથે વાતે વળગ્યા.

” જો સરગમ! મેં બે અઠવાડીયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કુલ પછી બાલવાડીમાં જાય છે અને બીજાં બળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે, હોં!” અવન્તિકાબહેન મનોમન સરગમને ગૌરવ સાથ કહી રહ્યા.

           લીલાબહેનની શાંત અને સરળ પ્રકૃત્તિને કારણે આટલા મહીનાઓ સાથે રહેવા છતાંય અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જુની આદતને ખાસ પ્રોત્સાહાન નહોતું મળતું. એમની દીકરી અનુ અવારનવાર મળવા આવતી ત્યારે અવ્ન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી.

       અનુ કહેતી, “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃતિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતો, જેથી હું નોકરી પર હોંઉ કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઇ ફરિયાદ, ન કોઇ હક્ક-માંગણી.

       કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે ને!

        ‘સહજ મિલા સો દુધ બરાબર,માંગ લીયા સો પાની

             ખીંચ લીયા સો ખૂન બરાબર, કહેત કબીરા  જ્ઞાની’

 

        અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરાવહુને, ભાઈને, કેવા ટોંણા મારતા,’તમને પહેલા જેવો પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતાં’,વગેરે કહીને રડવા બેસતાં. ઉંમર સાથે સ્નેહનાં સ્વરુપો બદલાતા રહે જેનો સદગુણી સ્વીકાર કરી પ્રેમ આપતાં રહે તો બમણો પાછો મળે.

              સમય સમયનુ કામ કરતો ચાલતૉ રહે છે.દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલા. સુનીલ-સુમનને ખબર કે બાને પીઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે,’આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે.’ પણ હજુ મન એને માફ કરવા તૈયાર નહોતું. મીનળે પૂછેલું,”બા,તમને અંહી ગમે તો છે ને?” ‘ ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’પૉતાનો અહંમ એ પ્રમાણે મીનળની કીંમત કરતા રૉકતૉ હતૉ.

      બધાં મૂકીને ગયા પછી લીલાબહેન કહે,” ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જૂદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમને થયું કે ઘરમા આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતાં થાકતાં નહોતા.
      ” લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધુ મારી રીતે શીખવાડ્યું.
એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા.

        આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી.
    “મને ફૂલ સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય.
     એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા.મને જરાય ન
     ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી ર સરગમે એ વખતે કહેલું,” મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનુ હતું કે તમારૂં! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાનો શોખ નહીં હોય? મન મારીને તમારૂ માન જાળવ્યુ હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કાંઈ ઉમંગ નહીં હોય?” અવન્તિકાબહેને પોતાનો બચાવ જરૂર કરેલો,” પણ મારી પસંદગી એટલી સરસ કે બધાં વખાણ કરે.”
         યાદ આવે છે કે મહેશ ઘણીવાર સાભળે નહીં તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે બા કહે એમ કરો. હવે એમને ખ્યાલ આવે છે કે,”બા કહે એમ કરો જેથી શાન્તિ થાય.” અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજુ તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો. જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાંસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ.યાદ પણ નહોતુ આવતુ કે મોટાને ઘેર જમવા ક્યારે ગયાં હતાં!
         બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને જઈને જોયું તો બાપ દીકરો બહારના બારણા પાંસે ઊભાં ઊભાં ચર્ચા કરતાં હતાં.જનકભાઈ મોટેથી કહેતાં હતાં,” એવા કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યુ છે, ઈ તમારે ઊડાડવા માટે નથી.” દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતોં પણ એ સાંભળે તો ને! અન્તે ધડ કરતુ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધુંઆફુંઆ થતાં પાછા ફર્યા,” સાવ બૈરી કહે એમ કર્યા કરશે.”
          આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતાં પાછા ફર્યા. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનુ હોય જ.મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી તોય મનનો દ્વેષ વાણી દ્વારા આવતો.મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કાંઈક ખરીદી થતી.    

                   હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા હતાં ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયું હતું અને મીનળને કાગળ લખવાની ઈચ્છા થઈ. એમણે લખ્યુ કે,” પોતાના વિચારો બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સુહ્રદયી સરગમ સાથે વાતોં કરતાં જાણ થયેલી. એ તો ક્યારના અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠાં અને ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેવી મોટી ભૂલ છે? મારો કૃષ્ણ મારા તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે.પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહોથી બીજાની લાગણી ન દૂભાવવી એ પણ આવી જાય છે.હું બહારના પાછળ દોડતી અને મારાં ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની લક્ષ્મી છો એ વાતની આજે હું કબૂલાત કરૂં છું. ક્યારેક તમારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. મારા જય શ્રીકૃષ્ણ.”

                       વળતો ઉમંગભર્યો જવાબ આવ્યો,”બા! હવે વરસ થવા આવ્યુ છે. અમે તમને આવતાં અઠવાડીયે લેવા આવશું.” આવવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરીને રાહ જોતા આમતેમ ફરતાં હતાં.
            
         સુનીલ અને સુમન દોડતા આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનળ પણ હસતાં ચહેરે આવ્યા. થોડીવારમાં મહેશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયા. મીનળ બોલી, “બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલા વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતા જોઈ દ્રવિત થઈ ગયા, “બેટા! ભૂલચૂક તો બધાની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી પોતની શાન્તિ કાયમ રહે.” મીનળને સાસુની સમજભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયા.
 
        મહેશ પાછો આવી કહે, “ચલો, બેગ લઈ આવું.”
        અવન્તિકાબહેન કહે, “અહીં બેસ, મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. પ્રસંગે મુંબઈ આવતી જતી રહીશ પણ હમણા તો મારે અહીં રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનુ ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહુ, બસ આ પ્રેમનો તાંતણો જોડાયેલ રહે.”

        મહેશ, મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો ત્યારે અવન્તિકાબહેને હસીને પરીક્ષાઓ પછી આવશે એમ નક્કી કરી બધાને ‘ફરી મળશુ’, કહીને વિદાય કર્યા. ચહેરા પર સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિઓમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.

              પ્રભુ મારી આશા નહિવત્ કરજો
                    પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજો 
         
         તો જાણે સરગમ સાથે સૂર પૂરાવતા સંભળાયા
                
             સુખી કરીને સુખી થવાની એક અમૂલ એ ચાવી
                    જરીતરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની

                    ———————————————-
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

         

       

          

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Entry Filed under: વાર્તા. .

3 Comments Add your own

  • 1. jayeshupadhyaya  |  April 30, 2008 at 10:14 am

    સરયુબેન
    સરળ ભાષામાં સરસ વાર્તા
    http://jayeshupadhyaya.wordpress.com

    Reply
  • 2. Sangita  |  May 1, 2008 at 12:34 pm

    Very nice story! Swa Adhyay can help at any stage of life, not just old age. Nice thoughts to adopt to be happy in life.

    Reply
  • 3. વિશ્વદીપ બારડ  |  May 1, 2008 at 4:29 pm

    ચાલો તમોએ શુભ શરૂઆત કરી. અંતરની શુભેચ્છા!

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Top Posts

Top Clicks

Recent Comments

મયુરકુમાર on ગુજરાતી બ્લોગ જગત
હરનિશ જાની on A Mother Says
Rohit V.Bhatt & … on સંબંધો
પંચમ શુક્લ on A Mother Says
BHAGIRATH LASHKARI on પરિચય Intro.

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked