સોનાની માછલી

       

                              સોનાની  માછલી

           ”અરે વાહ! આ સોનાની માછલી તો બહુ સરસ છે, ક્યાંથી આવી?” 

         જ્યારે પણ હું આ સોનાની માછલી ગળાની માળામાં પહેરુ ત્યારે ઉત્સુક સવાલ સાથે મીઠી યાદની લહેરખી સ્મિત લઈ આવે. 

           બાળકો નાના હતાં ત્યારે પ્લેશેન્સિઆ, કેલીફોર્નિયામાં મેં એવોનનુ વેચાણ શરુ કરેલ. એક સાંજે હું માર્ગરેટ કાયલીંગને ઘેર જઈ ચડી. પચાસેક વર્ષની મજાની બહેને મને પ્રસન્નતાપૂર્વક આવકાર આપ્યો અને બે-ચાર ઓર્ડર સરળતાથી આપી દીધા. પછી તો દર બે અઠવાડીએ અમારી મુલાકાતો શરુ થઈ ગઈ. દર વખતે વસ્તુઓ ખરીદી સામે નાના કબાટમાં મુકી દેતી અને વર્ષો સાથે જોયું કે જ્યારે પણ કોઈ મહેમાન હોય ત્યારે એમાંથી બે ત્રણ ભેટો કાઢી, ભાવ તાલ જોયા વગર ખુલ્લા દિલથી આપી દે. એકાદ વર્ષના પરિચય પછી અમે મારા નણંદને લઈને મળવા ગયા તો એમને સુંદર બે ભેટો આપી, જે વર્ષો સુધી દીદીએ ભાવપૂર્વક મ્હાણી.  

              એમની ઉદારતા વિશિષ્ટ હતી. એક પ્રસંગ ખાસ યાદ આવે છે. સમીરના જન્મ પછી, એના બગીચાના ગુલાબોનો મોટો ગુચ્છ અને ડાયપરનુ મોટું કાર્ટન, જેમાં ચોવીસ બોક્સીઝ હતાં, એ લઈને આવ્યા ત્યારે અમે આશ્ચર્યમાં પડી ગયેલા. 

                માર્ગરેટના ઘરમાં એમના પતિ અને બે મજાના સફેદ કૂતરા હતા. પોતે એક હોસ્પીટલમાં એકાઉન્ટટ તરીકે નોકરી કરતા હતા. જ્યારે જર્મનીમાં ભાગલાં પડેલા ત્યારે મ્હાણ બચીને અમેરિકા પંહોચેલા. ઘણી મુશ્કેલીઓ વેઠેલી. એમને બાળકો હતા નહિ. એ મારા બાળકોના પ્રેમાળ નાની બની ગયા. સંગીતા અને સમીર ઉત્સાહથી એને ઘેર જાય અને ચોકલેટ, ભેટો વગેરે લઈ આવે. જન્મદિવસે પણ માર્ગરેટ તરફથી ભેટ આવતી. આમ માર્ગરેટ અમારા કુટુંબનો પ્રેમાળ હિસ્સો બની ગઈ. બાળકો છ આંઠ વર્ષના હતા ત્યાં સુધી માર્ગરેટનો પરિચય જળવાઈ રહ્યો. 

          અમે પાંચ માઈલ દૂરના ઘરમાં રહેવા ગયા અને બાળકો શાળાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા. માર્ગરેટ થોડા વર્ષોમાં નિવૃત થઈને હેમીટ , કેલીફોર્નિઆમા રહેવા જતા રહ્યા. થોડા વર્ષો પછી અમે ઓરલાન્ડો, ફ્લોરીડા જતાં રહ્યા. આમ લગભગ તેર વર્ષોના વહાણા વાઈ ગયા. માર્ગરેટને ક્યારેક યાદ કરી લેતા.

          એક દિવસ મને વિચાર થયો કે વાગે તો તીર–પ્રયત્ન કરી જોઊં. મેં હેમીટમાં ટેલીફોન ઓપરેટરર્ને નામ આપી નંબર માંગ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એણે મને નંબર આપ્યો.

         ”હલ્લો, માર્ગરેટ તમે કદાચ નહિ ઓળખો. અમે પ્લસેન્શીઆમાં વર્ષો પહેલા રહેતા હતાં.”

માર્ગરેટ કહે, ” કોણ સરયૂ બોલે છે?”

         મને ખૂબ નવાઈ લાગી. લાગણીવશ થોડીવાર મારો અવાજ અટકી ગયો.પછી તો ઘણી વાતો થઈ. મોબીલ હોમમાં એ એકલા રહેતા હતાં. સ્ટ્રોકને લીધે એક આંખમાં અંધાપાને કારણે લખતા, વાંચતા કે ડ્રાઇવ કરતા તકલિફ પડતી હતી. એમના પતિ બેન્જામીન મૃત્યુ પામેલા જેનુ એમને બહુ દુઃખ લાગતુ હતુ. માર્ગરેટને એક જ બહેન હતા જે જર્મનીમાં હતા. અમે નજદીક હતા એ વર્ષોમા એક યુવાન જર્મન પતિ-પત્ની એમના અંગત મિત્રો હતા. એમના વિષે પુછતાં માર્ગરેટે દુઃખપૂર્વક જણાવ્યુ કે એ બન્ને પોતાના વિમાનના અકસ્માતમાં માર્યા ગયા હતા.

          ” મને રેવા નામના બેનપણી ઘણી મદદ કરે છે. મુશ્કેલીઓ છે તો પણ હું ઘણી સુખી છું.” એમનો આનંદી સ્વભાવ કોઈ પણ સંજોગોમાં પણ, દરેક વખતે ફોન પર,  પ્રસન્નતાનો સંદેશ આપતો. અમે ચારે જણા માર્ગરેટનો ફરી મેળાપ થતા ખુશ થયા. એમના ખાસ પ્રયત્નપૂર્વક લખાયેલ કાર્ડથી અનેરો આનંદ થતો.

            સમીર ગ્રેજ્યુએટ થઈ વકીલ બનવા માટે અભ્યાસ કરતો હતો. વેકેશન નોકરી પૂરી કરી લોસ એન્જેલીસ્ કેલીફોર્નિઆથી કારમાં પાછો ફરવાનો હતો. હું પણ એને સાથ આપવા ગયેલી. અમે ખાસ હેમીટ જઈ માર્ગરેટને મળવાનુ નક્કી કરેલ. સમીર મોટો ફૂલોનો ગુચ્છો પસંદ કરી લઈ આવ્યો. અમને મળીને માર્ગરેટ ખૂબ ખૂશ થઈ. એના મિત્રોને પોતાના કુટુંબના સભ્યોની ઓળખાણ કરાવતી હોય એટલા ગૌરવથી પરિચય આપ્યો. છ ફૂટ ઉંચા સમીર સામેથી તો એની નજર જ ખસતી નહોતી, ” ઓહો! કેટલો મોટો થઈ ગયો!” 

            પછી જ્યારે પણ શક્ય હોય ત્યારે સમીર ફૂલો કે ફળ લઈને જતો અને એ સમય માર્ગરેટને માટે ઘણો આનંદપ્રદ બની ગયો. ફોન પર નિયમિત વાતો થતી. એની એકલતામાં, બને તેટલો, અમે ઉમંગથી સાથ આપતા રહેતા.

    હું છેલ્લી વખત મળી ત્યારે સોનાની માછલી બતાવી મેં પૂછ્યું, “યાદ છે! તમે આ મને ક્યારે આપી હતી?” ઉંમર સાથે ભૂતકાળ ધૂંધળો થઈ ગયેલ. મેં યાદ કરાવતાં કહ્યું કે, એવોનનુ કામ પતાવી હું બહાર નીકળી અને માર્ગરેટ પણ મારી સાથે બહાર આવી વાતો કરતા ઉભા હતાં. વાતમાં એમને યાદ આવ્યુ કે બીજે દિવસે મારો જન્મદિવસ છે. મને કહે એક મીનીટમાં આવુ છુ. અંદરથી સોનાની માછલી લઈને આવ્યા અને પ્રેમથી મને હાથમાં બીડાવી. મને નવાઈ લાગી કે મારી જન્મનિશાની કેવી રીતે! ત્યારે એમણે કહ્યુ કે બેન્જામીનનો પણ ફેબ્રુઆરીમાં જન્મ છે. થોડી પળો મારો હાથ પકડી રાખી ગળગળા અવાજે બોલ્યા હતા, “આ મારે આજે તને જ આપવી છે.” 

        વાત સાંભળી, સફેદ ગુલાબ સમા હાસ્યથી,એમનો ચહેરો ખીલી ઉઠ્યો. પછી ધીમેથી બોલ્યા, ” એ દિવસે મારે આ ઊર્મિશીલ વાત નહોતી કહેવી પણ આજે જરુર કહીશ. એ સમયે હું પંદરેક વર્ષની હતી. લડાઈના સમયમાં હું અને મારી બહેન મારા માસી સાથે આવીને સંતાયા હતા. સ્વતંત્રતા અને સલામતી માટે અમે બીજા દેશમાં ભાગી જવાના હતા એ  રાત્રે મારા માસીએ મને છેલ્લી વખત ભેટીને આ સોનાની માછલી આપી હતી. મને ભય હતો કે મારી નાની બેગ કોઈ ખેંચી લેશે તેથી હાથની મુઠ્ઠીમાં પકડીને સાથે લઈ આવી હતી. આજે એને તારી પાસે સલામત જોઈને યોગ્ય વ્યક્તિને આપ્યાનો સંતોષ થયો.” 
         

        આજે તો માર્ગરેટ નથી પણ એની યાદોની સુવાસ અમારા દિલને ભરી દે છે. તમે કોઈને જીવનમાં નિર્મળ પ્રેમ આપ્યો હોય તો તે બમણો થઈ તમને આવી મળે છે.

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s