એક પિતાની મૂંઝવણ

 

એક પિતાની  મૂંઝવણ

      “દસેક મીનીટ પહેલા જ અમારા ઘરમાંથી મોહનભાઈ નીકળીને ડાબી તરફ વળ્યા હતાં,તેથી માનુ છું કે મોટા નહેરુ મેદાનમાંથી ચાલતા જતાં હશે. સાયકલ જરા ઝડપથી ચલાવીશ તો પંહોચી જઈશ. હાં, દૂરથી સફેદ ધોતીયું અને સફેદ ઝભ્ભો પહેરેલ નાજુક પાતળા શરીરવાળા માણસ દેખાયા.”

       મંદીરની સાંજની આરતીના મીઠા ઘંટારવ સંભળાતા હતાં.

      એ વખતે હું હાઈસ્કુલમાં  ભણતી હતી. મોટા ભાઈ લગ્ન વયસ્ક થયેલા તેથી અવારનવાર લોકો લગ્ન વિષે વાત કરવા આવતા. એ દિવસે રવિવારની મોડી બપોરે સાંઈઠેક વર્ષના વડીલને ઘરમાં દાખલ થતાં જોઈ અમારા બાને નવાઈ લાગી. એમણે પોતાનો પરિચય “મોહનભાઈ” તરીકે આપ્યો. અમારી નાની જ્ઞાતિમાં ઘણાં લોકોને ઓળખીએ અને જોયે નહિ તો પણ એમની વાતો, કુટુંબનો ઈતિહાસ વગેરે ખબર હોય.

      મોહનભાઈએ વધારે પરિચય આપ્યો એટલે તરત ખ્યાલ આવ્યો, કારણકે ગયા અઠવાડીયે જ મામી કહેતા હતા કે,‘મોહનભાઈને બે દીકરીઓ છે. ભણેલી છે પણ બહુ આઝાદ છે, જરા છકેલી છે. મોટીની બહુ ખબર નથી પણ નાની કોઈ બાપુની સેક્રેટરી તરીકે કામ કરે છે અને સાંભળ્યુ છે કે મોહનભાઈને એમની બહુ ચિંતા છે.’

      મોહનભાઈને જોઈને જ સહાનુભૂતિ થાય એવો સરળ સંસ્કારી દેખાવ. વાતચીત કરવાની નમ્ર રીતભાત જોઈ મારા બા ભાવથી એમના કુટુંબના ખબરઅંતર પૂછી રહ્યા હતા અને તેઓ સંકોચ પૂર્વક જવાબ આપતા હતા.મેં ચા લાવીને આપી તેને ન્યાય આપ્યો. લાંબા સમય સુધી ગોળ ગોળ વાતો ચલાવી. જુદી જુદી રીતે ભાઈ વિષે સમાચાર પુછતાં રહ્યા. અમને ખ્યાલ આવી ગયો કે વાત કઈ દિશામાં જઈ રહી છે! જરા સંકોચ સાથે છેવટે બોલ્યા, “મારી નાની દીકરી ભણેલી ગણેલી છે એને તમારે ઘેર વરાવવી છે, તેથી હા પાડી દો.”
        
        મારા બા કહે, “ અરે, એમ વર કન્યા એકબીજાની પસંદગી ન કરે ત્યાં સુધી મારાથી હા પાડી ના શકાય.”  પણ મોહનભાઈના ચહેરા પરના ભાવ જાણે કહેતા હતા કે, ‘આજે દીકરીનુ નક્કી કરીને જ જવું છે.’ મોહનભાઈ ઊભા થયા. એમની જોળીમાંથી રુપિયો અને નારિયેળ કાઢી મારા બાના હાથમાં પકડાવતાં કહે,  “એ તો પસંદ થઈ જ જશે. મહેરબાની કરીને આજે ના ન પાડતા.” એવું  કંઈક બોલતા ચંપલ પહેરીને ચાલી નીકળ્યા.
        
        મારા બા તો અવાક બની ઊભા રહી ગયા. હું એમના ચહેરા પર અજબની અકળામણ જોઈ રહી. જરા કળ વળતાં કહે, “આ તો ઠીક ન થયુ. મોહનભાઈ લાચાર અને ચિંતિત અવસ્થામાં પરાણે રુપિયો અને નારિયેળ આપી ગયા પણ વાત આગળ ચાલે એવી કોઈ શક્યતા નથી. હવે શું કરશું?”
     
        જરાક વિચાર કરી મેં કહ્યુ, “બા, મને એ વસ્તુઓ આપો, હું એમને પરત કરી આવુ.”
        સંધ્યાનાં  આછા અજવાળામાં બીચારા જીવ ધીરે ધીરે જઈ રહ્યા હતા.
      
        સાયકલ પરથી ઊતરતા મેં કહ્યુ, “મામા, ઊભા રહો. માફ કરજો, પણ મારા બા કહેડાવે છે કે રુપિયો અને નારિયેળ સ્વીકારવાનુ અત્યારે અમારા માટે યોગ્ય નથી.” કહેતા કહેતા એમની જોળીમાં વસ્તુઓ મેં મૂકી દીધી.  
      
       એમના ચહેરા પર નીરાશા છવાઈ ગઈ, પણ “કંઈ વાંધો નહીં” કહી ફીક્કુ સ્મિત આપી વિદાય લીધી.
       
             હું દૂર સુધી એક મૂંઝાયેલ પિતાને જતા જોઈ રહી.  આરતીનો ઘંટારવ સમી સાંજની ગંભીરતામાં વિલીન થઈ  ગયો.
                                                  ————  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s