શ્યામ બજાઈ આજ મુરલીયા


શ્યામ બજાઈ આજ મુરલીયા

“ગાઓ બેટી, પિયુ પિયુ રટત પપીહરા…” શ્રી બોડસ માસ્તર સવારના પહોરમાં સુશીલાને લલિત રાગ ગાવાનું કહેતા. ખાસ તો એની પિત્રાઈ બહેનને માટે રોકેલા સંગીત ગુરુ પાસે સુશીલા સંકોચ સાથ બેસતી. સંગીતમાં ગહેરો રસ એના ઋજુ હ્રદયને સહજ રીતે ભીંજવી દેતો. બહુ લાંબો સમય શીખવા તો નહોતું મળ્યુ પણ દરેક સમયે મીઠા સૂરો એના દોડતા ચરણને અટકાવી દેતા અને આંખો બંધ કરી એનો આસ્વાદ અચૂક લઈ લેતી.

બે વર્ષની ઉંમરે જ માતા ગુમાવી તેથી પિતા અને અન્ય કુટુંબના સભ્યોની સંભાળ નીચે ઊછરેલી સુશીલાના મીઠા સ્વભાવ સાથે ભીરૂતા પણ અભિન્ન ભાગ બની ગયેલી. એની સત્તર વર્ષની આયુ થતાં પિતાએ જ્ઞાતિના પત્રમાં, ભણેલા નવયુવક માટે જાહેરાત આપી. વડોદરામાં વકિલ બનેલા કૃષ્ણકાંત પરીખે પોતાનો પરિચય મોકલ્યો અને પસંદગી થઈ ગઈ. આમ લગ્ન કરી, શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં, કાનપૂર શહેરમાં ઉછરેલી સુશીલા, નાના પાટણ ગામમાં સામાન્ય આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં આવી. ઘરમાં બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ, એમ ચાર પુરુષોના ઘરમાં સુશીલાના કુમ કુમ પગલાં પડ્યા. આ બધા વચ્ચે મોટાભાઈ, અને બાળકોના ‘મોટાકાકા,’ની ઓથને લીધે સુશીલાને સાસરીમાં જાણે માવતર મળ્યા! વર્ષને અંતે તો સુશીલા અમ્મી બની ગઈ.

ઘર ગ્રહસ્થી, પાંચ દીકરા અને એક દીકરી વચ્ચે પોતાના સંગીત કલાના રસને વિકસાવવા માટે વધુ તાલિમ લેવાનો વિચાર આવ્યો હશે કે કેમ એ સવાલ છે. પણ ઘરમાં શાસ્ત્રીય સંગીતનો પરિચય અમ્મી દ્વારા છવાયેલો રહ્યો. વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધ્ધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, “ શિવરંજની રાગમાં લાગે છે, કે પેલું ગીત સોહિણી રાગમાં હશે”, એવી અટકળો દિલીપ સાંભળતો.  ઘરમાં એક સિતાર પણ હતી જેના તાર ક્યારેક અમ્મીની આંગળીઓને અણસારે ગુંજતા. બાળકોની સંગીત શીખવા જવાની ઇચ્છાને, એ સમયની આર્થિક અસગવડતાને કારણે, ખાસ લાભ નહીં મળેલ.
બધાં ભણવામાં સફળતા મેળવી આગળ વધી રહ્યા હતાં.

દિલીપને વડોદરા ભણવા જવાની પ્રેરણા અને પ્રોત્સાહન મોટાભાઈ તરફથી મળ્યા. વડોદરા શાસ્ત્રીય સંગીતથી ગુંજતું શહેર અને એમાં રસ ધરાવતાં લોકોનો પરિચય ગહેરો બનતાં દિલીપનો સંગીતનો રસ ઘેરો ઘુંટાયો. સંગીતને કેટલા પ્રમાણમાં અનુભવી શકે છે એ દરેક વ્યક્તિની જન્મજાત દેણ છે. દિલીપને સ્વરો સૂક્ષ્મ ભાવે સ્પર્શી જાય છે. અમેરિકા ભણવા માટે આવેલ ત્યારે શિષ્યવૃત્તિમાંથી ડોલર બચતા પહેલી ખરીદી ટેઈપ રેકોર્ડરની કરી પંડિત ભીમસેન જોષી અને એવા નામી કલાકારોના સંગીતનો આસ્વાદ પરદેશ વસવાટની એકલતામાં અનન્ય સાથી હતાં. દરરોજ જેમ જમ્યા વગર ન ચાલે, તેમ સંગીત સાંભળ્યા વગર પણ ન ચાલે. જીવનસાથીની પસંદગીમાં, સંગીતમાં રસ હોવો, એ એક આવશ્યક મુદ્દો હતો.

સમય સાથે ઘરના સભ્યો અને મિત્રો સાથે પણ સંગીતની લ્હાણી થતી રહી. પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાન જેવા કલાકારોને નજીક બેસી સાંભળવાની અમેરિકામાં તક મળી. અમ્મીને શક્ય તેટલી સંગીત સાંભળવાની સગવડતા ભારતમાં કરી આપી. રેકોર્ડ કરેલ વિવિધ રાગો વગેરે તન્મય થઈ સાંભળતા અને સાથે ગણગણતા મેં સાંભળ્યા હતાં.


સદભાગ્યે, અમે કુટુંબ સાથે કેલીફોર્નિઆમાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં ગોઠવાયા. એ સમયે દિલીપને જાણવા મળ્યું કે ઉસ્તાદ ઝાકીર હુસેન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાનો પ્લાન કરે છે. દિલીપે એમનો સંપર્ક કર્યો અને ખબર પડી કે લગભગ આઠના ગ્રુપમાં, સંતુર વાદક પંડિત શિવકુમાર શર્મા, વાયોલિન વાદક, પંડિત વી.જી.જોગ, શ્રી. અને શ્રીમતી કાનન, કીચલુ અને અન્ય સંગત સભ્યો છે. કાર્યક્રમ ગોઠવાઈ ગયો. ઉપરના મોટા રૂમમાં આતૂર આનંદ્થી છલકતા લગભગ એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયા. પહેલા શ્રીમતી માલવિકા કાનનનુ કંઠ્ય સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસેનના તબલાને યોગ્ય દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા અમારી સાથે બેસી ગયા હતાં.

એ દિવસ ખાસ યાદગાર બની ગયો, કારણ દિલીપનો ચાલીસમો જન્મદિવસ હતો. સર્વ શ્રોતાજનો નાસ્તા અને કેઈકને માન આપી રહ્યા હતાં ભલે દિલીપ મહેમાનો સાથે વ્યસ્ત હોવાથી કેઈક કાપવા હાજર નહોતો…. આઠ-નવ મહેમાનો બે રાત રોકાયા અને વર્ષોના મિત્રો બની ગયા.

ઓગણીસો એંસીના અરસામાં સંગીત માટે અનન્ય પ્રેમ અને કલાકારો માટેની અહોભાવ પૂંજીથી,  સંગીતકારોનો અનુગ્રહ સરળતાથી મળી રહ્યો. અમારી અને કલાકારો વચ્ચે ઉમળકો વધારે અને જે શક્ય હોય તે કરી છૂટવાની હોંશ હતી. આ અમારો પહેલો અનુભવ હતો પણ પછીના પાંચ વર્ષમાં લગભગ અઢાર કાર્યક્રમ કર્યા તેમા પાકિસ્તાનના સલામત અલી, શ્રુતિ સડોલીકર, સરોદ વાદક અમજદ અલી, પ્રભા અત્રે, પંડિત જસરાજ, ગીરીજા દેવી અને કિશોરી આમોનકર, જીતેન્દ્ર અભિશેકી, ઈમરતખાન અને બીજા કેટલાક નામોનો પણ સમાવેશ થાય છે. બે વર્ષ પછી પંડિત શિવકુમાર અને ઝાકીર હુસેન ફરી આવેલા અને એ વહેલી સાંજનો સંતુરનો પ્રોગ્રામ અને ભીમપલાસ રાગની શ્રોતાઓએ અનુભવેલી ઝણઝણાટી, આવતા વર્ષો માટે મીઠાં સંભારણા આપતી ગઈ. એ વિષય અમે શિવજી અને ઝાકીરજીને પચ્ચીસેક વર્ષ પછી મળ્યા ત્યારે સંસ્મરણ કરેલું.


એ અરસામાં અમ્મી-પપ્પા અમારી સાથે આવીને રહ્યા. એમનો રૂમ નીચે હતો અને ઉપર બોનસ રૂમમાં મોટેથી સંગીત વાગતુ હોય ત્યારે ધ્યાનથી સાંભળવા ઘણીવાર દાદર પર બેસતા. દાદર ચડવાની તકલિફ હતી. એ પછી અમારી ધગશ અને મહેમાનગતિની જાણ થતાં સંગીતકારો અમારો સંપર્ક કરતાં. અમ્મીની હાજરીમાં ઘણા કલાકારો આવ્યા. જીવનની એમની એક મુરાદ પુરી થયેલી જ્યારે અમે એમને શરણાઈ વાદક પંડિત બિસમ્મીલ્લા ખાનને સાંભળવા લોસ એન્જેલિસ શહેરમાં લઈ ગયા હતાં.


એક દિવસ અમને જાણવા મળ્યું કે પંડિત ભીમસેન જોષીનો કાર્યક્રમ લોસ એન્જેલિસમાં થવાનો છે પણ એ જાણીતા વ્યવસ્થાપકે ત્યારબાદ નકારત્મક સમાચાર આપ્યા તેથી દિલીપને થયું કે ભીમસેનજી અમેરિકામાં આવે છે અને આપણને લાભ ન મળે! ‘કંઈક કરવું પડશે.’ એણે હિંમત કરી મુખ્ય વ્યવસ્થાપક શ્રી હબીબનો નંબર મેળવી શીકાગો ફોન જોડ્યો. એમને સ્પષ્ટ વાત કરી કે, “મને ખાસ અનુભવ નથી કે હું શ્રીમંત વ્યક્તિ પણ નથી. મને સંગીત માટે પ્રેમ અને ઉત્સાહ છે. જો અમને ભીમસેનજીનો કાર્યક્રમ કરવા દો તો અમે યથાર્થ પ્રયત્ન કરશુ.” શ્રી હબીબે સંમતિ આપી અને બે કાર્યક્રમ, એક બહારના હોલમાં અને એક ઘેર કરવો એવું નક્કી થયું. આ સમય દરમ્યાન અમારા મનમાં એ ભાવ રમ્યા કરતો હતો કે આ વાત અમ્મી જાણશે ત્યારે કેટલા ખુશ થઈ જશે! નીચે આવીને અમ્મીને વાત કરી ત્યારે એમનો ચહેરો ખીલી ઉઠ્યો.


પંડિત ભીમસેનજી સમેત છ જણા અમારી સાથે ચાર દિવસ રહ્યા. આગલા મહિને શ્રી દામોદર શાસ્ત્રી આવીને રહેલા જે પોતાના ગળાની કાળજી લેવા તીખું નહોતા ખાતા. એ અનુભવની અસરને લીધે મેં ભીમસેનજીના ગ્રુપને ખાસ તીખી રસોઈ ન આપી. બીજી વખત જમવા બેસતા એમણે મને પુછ્યું, “આપકે પાસ અચાર હૈ?” મે કહ્યું, “આપકે ગલેકે લીએ…” તો કહે, “અરે કુચ્છ નહીં હોગા, યે તો સોલીડ હૈ.” કહી મજાનુ હસ્યા. પછી તો કાચા લીલા મરચા વગેરે દરેક જમણમાં મુકાતા. પ્રોગ્રામ પહેલા ચા પીતા અને ખુબ ગંભીર ભાવ સાથે શાંત રહેતા.


કાર્યક્રમ એક મૉટા ઓડીટોરીઅમમાં રાખવામાં આવેલ. બીજા કાર્યક્રમોમાં સાંઈઠથી દોઢસો શ્રોતાઓ આવતા જ્યારે ભીમસેનજીને સાંભળવા ચારસો શ્રોતાઓ આવેલા અને ઉત્સાહ ભર્યો માહોલ હતો. અમ સાસુ-વહુ માટે પહેલી હરોળમાં મધ્યમાં બે જગા દિલીપે રખાવી હતી. ભીમસેનજીએ સંગત સાથે યમન કલ્યાણ રાગ શરૂ કર્યો અને અમ્મીએ મને કાનમાં કહ્યું, “શ્યામ બજાઈ હું ગાતી એ…”  રાગમગ્ન ગાયન સાંઈઠેક મીનીટ ચાલ્યુ અને દ્રુતમાં ભીમસેનજીએ “શ્યામ બજાઈ આજ મુરલીયા, જોગી જંગલ જતી સતી…” ઉપાડયુ. તાળીઓના ગડગડાટથી શ્રોતાઓએ વધાવ્યું. હું બાજુમાં નજર કરૂ ત્યાં મને કિશોરી સુશીલા દેખાઈ. કાર્યક્રમ બાદ દિલીપની નજીક જઈ હસતી આંખો કહી રહી, “દીકરા! ધન્યવાદ.”


બીજે દિવસે સવારનો ઘરનો કાર્યક્રમ પણ યાદગાર બની રહ્યો. એ સમયે ગાયેલ રાગ વિષે, લગભગ બાર વર્ષો બાદ, ભીમસેનજીનો કાર્યક્રમ સાંભળવા ગયા ત્યારે એ રાગની પુનઃસ્મૃતિમાં આશ્ચ્ર્યય અને આનંદ સાથે વાર્તાલાપ થયેલ. લગભગ ૧૯૯૫ની સાલમાં, સમય અને એમની ઉંમરને ધ્યાનમાં લેતા વિસ્મૃતિ શક્ય હતી. મળવા ગયા ત્યારે દિલીપે પ્રણામ કરી કહ્યું, “ભીમસેનજી! આપકો યાદ હૈ..?” તો પ્રસન્નતાથી બોલ્યા, “હાં, ક્યું નહીં. આપકે ઘર તો ‘વૃદાવની સારંગ’ ગાયા થા.આપકી માતાજી કૈસી હૈ?” અમ્મીના છેલ્લા વર્ષોમાં બીજા બધાં રસો ઓસરી ગયા હતાં ત્યારે, “કંઈક મંજુલ સાંભળિએ.” એ મધુર ભાવ જીવંત હતો.

જે અંતરઆત્માને સંગીત અને કલાનો સાથ હોય એને જીવનમાં એકલતા નથી લાગતી. વિશ્વ લયબધ્ધ ધબકે છે તેની સાથે સંગીતના માધ્યમથી જ્યાં હ્રદય તાલ મીલાવી ધડકે ત્યાં ઑમકારની એકતાનતા સંભવિત છે.
અસ્તુ…..  સરયૂ દિલીપ પરીખ    જુન ૨૦૧૨

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Kiritbhai Parikh
  જૂન 24, 2012 @ 18:06:36

  EXTREMELY BEAUTIFUL…

  IN A WAY IT IS A SMALL SECTION OF BIOGRAPHY OF AMMI.
  SO THE ARTICLE COULD BE A COMBINED EFFORT OF BOTH, YOU & DILIP.
  WITH ADMIRATION FOR BOTH OF YOU …

  AND SPECIALLY TO SARYUJI [BECAUSE RARE WILL BE THE DAUGHTER- IN –LAWS IN THESE DAYS TO REMEMBER THE MOTHER-IN-LAW IN THIS WAY]
  THIS IS HOMAGE TO OUR BELOVED AMMI…

  IT MADE ME LITTLE SAD REMEMBERING HER.
  PLEASE DO SEND THIS TO DIDI BAHEN AND OTHERS TOO.

  KIRITBHAI
  WITH LOVE.

  Like

  જવાબ આપો

 2. Neha Parikh-Rathod
  જૂન 21, 2012 @ 17:41:48

  It is indeed a very beautiful write-up Saryu auntie. Thank you for sharing with me.
  Knowing the love for music that Ammi had, I could visualize every moment that you have described in the writing. I had heard a lot about the musical concerts that you and Dilip uncle arranged in the US, but with the write up I got a more detailed visualization of what it must have been like.
  It was a great experience reading it!
  Love
  Neha Parikh-Rathod

  Like

  જવાબ આપો

 3. ભાવનગરી
  જૂન 21, 2012 @ 15:18:32

  Dear Saryu,
  I enjoyed reading, actually it was like seeing video,so flowing and smooth.Hats off.
  …………..Nandubhai-Narendra Kane.
  “Thank You so much for sharing wonderful, excellent short note interwoven with
  best Sangit Veterans ( Maestros), events ! in Los Angeles, California….Vinod Tank

  Very heartening to know all this. salaam, pranam to you all……Dhirendra Vaishnav

  Just Wonderful………Satish Vyas

  —— ——–Reply
  Thank you so much to my Bhavnagary bhaaio.
  Saryu

  Like

  જવાબ આપો

 4. pragnaju
  જૂન 21, 2012 @ 03:11:45

  “જે અંતરઆત્માને સંગીત અને કલાનો સાથ હોય એને જીવનમાં એકલતા નથી લાગતી. વિશ્વ લયબધ્ધ ધબકે છે તેની સાથે સંગીતના માધ્યમથી જ્યાં હ્રદય તાલ મીલાવી ધડકે ત્યાં ઑમકારની એકતાનતા સંભવિત છે.”કદાચ એટલે અંધ જનોને અને અમુક માનસિક વ્યાધિમા શાસ્ત્રિય સંગિત સહજ આવડી જાય છે અને જીવનનો આધાર પણ બને છે.
  મરણ વખતે આ મધુર ભાવ શાંતિ આપે છે એ તો ઘણામા જણાયું છે.
  (આશાવરી પછી સારંગમા
  ગોવિંદ નામ ધર્યો કીન તેરો, ગોવિંદ નામ ધર્યો;
  દ્રુપદસુતાકી લજ્જા રાખી, ચીર કો દાન કર્યો રે … ટેક

  ચાર પદારથ દિયો હૈ સુદામા, તાંદુલ મુખમેં ધર્યો;
  સાંદીપકો સુત આન દિયો હૈ, વિદ્યા પાઠ પઢ્યો રે …

  લેને રે દેને તું હરિ દાતા, મોંસે કછુ ના સર્યો;
  સુરકી બેર કઠણ હોઇ બૈઠી, જન્મકો અંધ કર્યો રે .
  આ ગવાય અને બધા તરબોળ…
  અને બાળપણની યમન કલ્યાણમા સરસ્વતિમાની સ્તુતિ
  જય જય જય વીણા ધારી
  જય જય જય મંગળ કારી

  શ્વેત વસ્ત્ર સોહત અંગ
  શ્વેત કમળ જળ તરંગ
  શિશ મુકુટ શ્વેત રંગ
  શ્વેત હંસ સ્વારી)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s