
અગિયારમી સદીની અનન્ય સોગાદ,પાલીતાણાના જૈન મંદિરો:
‘City of temples’ તરીકે અસંખ્ય પરદેશીઓને સમગ્ર વિશ્વમાંથી ખેંચી લાવતા પાલીતાણા ગામ સુધી ભાવનગરથી માત્ર પંચાવન કિલો મીટરની stone throwing road tripથી પહોંચી જવાય.શેત્રુંજય પર્વત પર અગિયારમી સદી આસપાસ બંધાયેલા જૈન મંદિર સમૂહોને લીધે સૌરાષ્ટનું આ પાલીતાણા ગામ બારેમાસ યાત્રાળુઓ,સ્થાપત્યનો અભ્યાસ કરતાં અભ્યાસીઓ અને જૈનધર્મના કુલ ચોવીસ તીર્થંકરોના સત્વથી સભર રહેતું હોય છે.
આણંદજી-કલ્યાણજી ટ્રસ્ટ કહે છે કે વર્ષ ૨૦૧૦માં કુલ ચાર લાખ યાત્રાળુઓ શેત્રુંજય પર્વત પર,કુલ નવ ઝૂમખામાં પથરાયેલા,આઠસો-હજાર મંદિરોની યાત્રાએ આવ્યા હતા.આ જાણીને આપણને એવું લાગે કે સતત ચાલતી આવી યાત્રાઓના પ્રવાહો જૈનીઝમની શ્વેતાંબર પરંપરાના આ પવિત્ર યાત્રાધામની ફરફરતી ધજા-પતાકાને અખંડ રાખે છે.
આપણે પણ આ અખંડ ચાલતી યાત્રાના પ્રવાહમાં ભળવું હોય તો શિયાળો ઉત્તમ રહે.શિયાળામાં જઈએ તો શિયાળાની ખુશનુમા ઋતુએ બપોર પોતાનો તડકો વેરતી મંદિર પરિસરમાં છવાયેલી દેખાય અને ઘુમ્મટો,ઘંટો અને સ્તંભો પરથી ઉતરતા તડકા-છાયા હજારેક વર્ષો પહેલાના શાસન,શાસકો,સ્થળ-કાળ,સ્થપતિની કલા-કારીગરી અને કુશળતાને લઈને સ્થિર થયેલા દેખાય.આવી સ્થિર થયેલી ક્ષણોને અવલોકી,વાંચી અને કેપ્ચર કરીએ ત્યારે બપોરના તડકાના ઝળાંઝળાં ફોરગ્રાઉન્ડ પાછળ ઋતુઓની જાહોજલાલી જીલીને સમૃધ્ધ થયેલા ઘુમ્મટો જોવા મળે અને જોવા મળે એ ઘુમ્મટો નીચે સચવાયેલો સમય અને શ્રધ્ધા પણ.આવું મિલન સ્થળ-કાળને અતિક્રમી આપણા અંતર-મનને અડે અને ધીમા સ્વરે કહે કે પ્રાચીન મંદિરો અને મંદિર સમૂહો શ્રધ્ધાના એવા સ્તંભો છે જેના પર આપણા હિન્દુસ્તાનની સમૃદ્ધિનો સુવર્ણકાળ સચવાયેલો છે.એ સાચવણ માત્ર પસાર થયેલા સમયની જ નહિ પરંતુ તે સાથે સાથે તે સાચવણી આપણી સંસ્કૃતિની,સભ્યતાની અને અતુલ્ય વારસાની પણ ખરી….
રક્ષા ભટ્ટ (૨૬-૪-૨૨)મંગળવાર
#आजादिकाअमृतमहोत्सव
મે 19, 2022 @ 02:43:49
બહુજ ગર્વ અનુભવ કરુ છું, ગુજરાતી સાહિત્ય, રચનાઓ, રચયિતાઓ ને, આજે વિશ્વ માં ધબકી રહ્યુ છે..
ધન્ય ધન્ય છે…
LikeLike