ચિત્ર…પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ. કાવ્ય…સરયૂ પરીખ

Mr. Jyoti Bhatt

૧. ભુલભુલામણી

ઉરે આનંદ ને આરતની ઝૂલે લાગણી
સખા, ભરતી ને ઓટની ભુલભુલામણી

વિમલ વાયે વસંતના  રસિક વાયરા
તારી ચિઠ્ઠી આવે, લાવે મિલન વાયદા
તેમાં રાચી નાચીને જોઈ છબી નિર્મળા
અહો! વિખરાઈ વેરાયા વિરહ વાદળા

મીઠી તનમાં ધ્રુજારી ને શીતળ પવન
જલે ચિતવનમાં ઉષ્માની ભીની અગન
પીળા પત્તાની  કોરણે સ્તંભિત સ્તવન
જોઉં કૌતુક, એક કુંજ કળી ગાયે કવન

ધીમાં ધીમાં રે ગાન કહે આવે મે’માન
તાર સપ્તક ગોરંભી દે અલબેલી તાન
સ્મિત  કુસુમો પરોસે અનેરી પહેચાન
ના  રોકું ટોકુ  દિલે ધડકન અભિયાન

રચી સ્વપ્નિલ રંજન, હું આંજુ  અંજન  
અર્ધચેતન સંધાન તોયે તૃપ્ત મારું મન
                —-      સરયૂ પરીખ

પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ.
મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

Mr. Jyoti Bhatt

૨. હૈયામાં હામ

સ્નેહ સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
    આજ  મનડામાં  હિમાળો  શ્વાસ, ચહે  દિલડું  હૂંફાળો ઉશ્વાસ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

કેમ માપું મારા હેતની તનાળ, મારા કોઠાની હૈયા  વરાળ!
   ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી તે શ્યામળી કરાળ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ તાડપને નીરે ઝર્યો.
   બંધ મુઠ્ઠીમાં  બાંધ્યો પરપોટો,  હાથ ખોલું  ને તારો  બની સર્યો.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

ગ્રહણ આવ્યું હતું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
   કરમ કુંડળીમાં કરતું’ગ્યું ભાત, આજ આતમમાં ઊજળું  પ્રભાત.
સખી! હૈયું હેલે ને હામ ઝળહળે.
——  સરયૂ પરીખ

કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.         તનાળ=સાંકળ   કરાળ=ભયજનક

Mr. Jyoti Bhatt

૩. મલ્હાર

મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.

કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.

ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.

કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.

મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.

મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
       —— સરયૂ પરીખ

     A link about Jyotibhai Bhatt.  

પ્રિય સરયૂ બેન, તમારા કાવ્ય મળ્યા છે. પહેલા કાવ્ય નું શીર્ષક તથા છેલ્લું કાવ્ય વાંચતાં વેળા પહેલા તો એમ થયું કે મારા એક ચિત્રમાં મેં દર્શાવેલ ભૂલ ભૂલામણી તથા મોરલા ની યાદ આપતા સ્વસ્તિક જોઈને તમે એ કાવ્યો લખ્યા હશે. મારું આ wishful thinking પણ તમે સૂચવેલી ભૂલભુલામણીનું જ પરિણામ હશે ને ? કુશળ હશો. જ્યોતિ.

https://timesofindia.indiatimes.com/blogs/plumage/the-guilds-glorious-odyssey-and-jyoti-bhatt/

 

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Harish Dasani
    ઓગસ્ટ 27, 2022 @ 04:11:56

    સરયૂબેનના સુંદર ઊર્મિકાવ્યો. જ્યોતિ ભટ્ટનો ચિત્રવૈભવ.

    ધન્ય હો. જય હો.
    શબ્દ અને રૂપની આ જુગલબંધીને નમસ્કાર.

    હરીશ દાસાણી.

    Like

    જવાબ આપો

  2. nabhakashdeep
    ઓગસ્ટ 26, 2022 @ 22:12:46

    સુંદર રચના.

    Sent from my iPhone

    >

    Liked by 1 person

    જવાબ આપો

Leave a comment