સરયૂની યાદગાર મુલાકાત. ૨૦૨૩

    યાદગાર મુલાકાત. ૨૦૨૩.      સરયૂ દિલીપ પરીખ.

મારા અમેરિકાના ૫૪ વર્ષના વસવાટમાં…ભારતની પંદરમી મુલાકાત હતી. મહિનાઓ પહેલાથી વિચારણા અને એરોપ્લેન ટિકિટની વ્યવસ્થા. ભારતમાં દાખલ થવા વિઝા પણ લેવાનો હતો. ‘કેટલીયે વાર લાગશે’ તેવી આશંકાઓ સાથે ઈ-વિઝા માટે ઓનલાઈન અરજી કરી અને આનંદાશ્ચર્ય વચ્ચે, ચાર દિવસમાં ઈ-મેઈલમાં વિઝા આવી ગયો. બ્રીટીશ એરવેમાં, ઓસ્ટિનથી લંડન અને લંડનથી મુંબઈ ત્રીસેક કલાકમાં આવી પહોંચી, ને અડધા કલાકમાં એરપોર્ટમાંથી બહાર. લેવા આવેલી બાલસખી, પ્રફુલા સાથે વણથંભ્યા વાતો કરતાં, તેના નિવાસસ્થાને પહોંચી ગયાં. અમારી છ દાયકાની મિત્રતામાં ચહેક-મહેક જરાય ઓછી નથી થઈ. દરેક વખતે બીજું કોણ કહે? “તું પતલી થઈ ગઈ.” એક આ સખી કે મારા બા.

મુંબઈથી બપોરની Double Decker ટ્રેનમાં વડોદરા આવી પહોંચી. પાંચ કલાક સહયાત્રીઓની જીવનકહાણી સાંભળતા પસાર થઈ ગયા. તેમાં બે ત્રણ ગ્રુપ અમેરિકન વિઝા લેવા ગયેલાં તેમના અનુભવ સાંભળ્યા અને સેલ ફોન પર પુનઃપુનઃ પ્રસારિત પણ થયા.  વડોદરામાં, દર વખતની જેમ, મુનિભાઈ અને ઈલાભાભીના ઘર આંગણે, સ્વજનોથી માંડીને કામ કરતા સૌ, હસીને આવકારે. ૨૨મી સપ્ટેમ્બરે અહીં આવવાનું કારણ હતું…ઈલાભાભીનો જન્મદિવસ. બે દિવસ ઉજવણીમાં જેટ-લેગ શું! એ યાદ ન આવ્યું.

થોડા મહિના પહેલાં ‘ઊર્મિલ સંચાર નવલિકા, સત્યકથા અને કવિતા’ સંકલિત, દિલીપના ચિત્ર, ‘Mysterious Life’ મુખપૃષ્ઠ સાથે, ૨૦૦ પાનાનું પુસ્તક, ભાવનગર અને આસપાસ સાહિત્યપ્રેમીઓને ભેટ આપવાની યોજના સાથે તૈયાર કર્યું હતું. ‘ઊર્મિલ સંચાર’ પુસ્તકની ૭૦૦ પ્રત શિશુવિહાર, ભાવનગરમાં મોકલી હતી. નક્કી થયેલા કાર્યક્રમ માટે મુનિભાઈ, ઈલા અને હું વડોદરાથી કારમાં મુસાફરીની સગવડતા અનુભવતાં, જૂના જમાનામાં વેઠેલી વિકટ પરિસ્થિતિને યાદ કરતાં, બહુ જાણીતા, પણ ન ઓળખાય તેવા, ભાવનગર શહેરમાં પહોંચ્યા. સગાસંબંધીઓ અને મિત્રોને મળી અનેરો સ્નેહભાવ અનુભવ્યો. ભાવનગરમાં અદ્યતન સગવડતાવાળી હોટલ હોય એવી ક્યારેય કલ્પના કરી હતી?

બીજે દિવસે બપોરના મારી નિશાળની મુલાકાત કેમની ગોઠવાશે તે વિશે આશંકાઓ થતી હતી. મુનિભાઈ સાથે માજીરાજમાં જતાં અમને ભાઈ-બહેનને બા સાથેના આ શાળાના પ્રસંગો યાદ કરતા આંખો ભીની થઈ ગઈ. મુનિભાઈને છોકરીઓની નિશાળમાં બાની આંગળી પકડી ઘણીવાર આવીને મસ્તી કરવાની તક મળેલી. માજીરાજના આચાર્ય અને શિક્ષકભાઈએ અમને જણાવ્યું કે ઉપલા બે ધોરણની, લગભગ ૨૫૦ વિદ્યાર્થીનીઓ તમારી સભાગૃહમાં રાહ જુએ છે. ઉપર જતાં જોયું કે સાંઠ વર્ષ પહેલાંનો એ જ લાકડાનો દાદરો સાબૂત હતો.

સભાગૃહમાં દાખલ થતાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી કિશોરીઓ આનંદ આશ્ચર્યથી અમને તાળીઓથી આવકારી રહી હતી. મારા પરિચય પછી મેં બાલિકાઓ સાથે સરળ રીતે વાતચીત શરૂ કરી. પંદર વર્ષ પહેલાં મેં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. પછી સત્યકથાઓ અને અંગ્રેજીમાં બે નવલકથા, એમ સાત પુસ્તકો પ્રગટ કર્યા. જ્યારે સવાલ કર્યો કે, “કોને કવિતા લખવા કે વાંચવાનો શોખ છે?” સંકોચ સાથે એક હાથ ઉંચો થયો. મેં તેને નજીક બોલાવી મારું પુસ્તક ભેટ આપ્યું. પછી તો ધીરે ધીરે ‘શું વાંચવું ગમે’ વગેરે વાત સાથે હાથ ઉપર થવા લાગ્યા. આમ લગભગ દરેક વિદ્યાર્થીની મારી પાસે આવી પુસ્તક હોંશથી લઈ ગઈ. મેં કહ્યું, “તમને મળીને મને કેટલો આનંદ થયો તે મારા ચહેરા પર દેખાય છે ને?” અને સામેથી ઊગતી કળી જેવી કિશોરીઓ, તાળીઓ સાથે મને પ્રોત્સાહન આપતી મલકી રહી. આ નાજુક ઉંમર અને તેનો ઉત્સાહ…કે જે જાણે આટલાં વર્ષોમાં વિસરાયેલા …એ આજે સોળ કળાએ પાંગરતા જોયા.

l

મારી માજીરાજ હાઈસ્કૂલ. ચમકતા ચહેરા અને ઉત્સુક હાસ્ય…દરેકને પુસ્તક ભેટ આપવાનો પ્રસંગ સૌથી આનંદમય બની ગયો.
શિશુવિહાર, ભાવનગરનું સંસ્કાર કેંદ્ર. સાત દાયકા પહેલાં કર્મયોગી મુ.માનભાઈ ભટ્ટ સ્થાપિત સંસ્થા, ડો.નાનકભાઈ માનભાઇ ભટ્ટ કુશળતાપૂર્વક વિકસાવી રહ્યા છે. ‘જાહ્ન્વી સ્મૃતિ’ કવયિત્રી સંમેલન ૧૯૯૪માં શરૂ કરવા માટે શ્રી માનભાઈ ભટ્ટની દીર્ઘદ્રષ્ટિ અને મુનિભાઈ-ઈલાના સંપૂર્ણ સાથને આભારી છે.

શિશુવિહારમાં દર મહિને સાહિત્યકારો બુધસભામાં ભેગા થાય છે. આ બુધવારે વિશેષ કાર્યક્રમ હતો…જેમાં શ્રી.કિસ્મત કુરેશી સ્મૃતિ સન્માન, જાહ્ન્વી સ્મૃતિ સન્માન અને મારા પુસ્તકનું વિમોચનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાની યાદમાં ‘જાહ્ન્વી સ્મૃતિ’ સન્માન નેહા પુરોહિતનું મેં કર્યું ત્યારે, આંસુ રોકવા મુશ્કેલ હતા.

સંબોધન કરતા મેં કહ્યું કે, “મારા બા, ભાગીરથી મહેતા લખતાં ત્યારે એવું કશું મહત્વ નહોતું લાગતું, પણ ૨૪ વર્ષમાં વાર્ષિક કવયિત્રી સંમેલનને લીધે કેટલી બહેનો દિલની વાતો લખતી થઈ!!! તેથી જ્યારે કોઈ લખનારને કહે કે, ‘કોઈ વાંચતું નથી’…તો એથી નિરૂત્સાહ ન થશો.” ત્યારબાદ ‘ઊર્મિલ સંચાર’ પુસ્તકનું વિતરણ કરતા અનેક ભાઈ-બહેનોને હેતપૂર્વક મળવાનો લ્હાવો મળ્યો.

ત્રણ દિવસની મુલાકાત પછી પાછા ફર્યાં. વડોદરામાં ૨૫ વર્ષથી પ્રવૃત્ત અને ૪૫૦ સભ્યોવાળી “ઝણકાર કલાકેંદ્ર”ના ઈલાભાભી ઘણાં વર્ષોથી ચહિતા પ્રમુખ છે. સંસ્થાના સુજ્ઞ સાહિત્યરસિક બહેનોને મળવાનો મજાનો લાભ મળ્યો. બેઠકનો અહેવાલ નિર્ઝરીબહેને આપ્યો. “ઝણકાર કલાકેન્દ્ર અંતર્ગત પુસ્તક પરિચય કરાવતા કાર્યક્રમ ગ્રંથગૌરવની બેઠક તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સરસ માહોલમાં મળી. જેમાં વિદેશનિવાસી અને ઘણાં ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકોના લેખિકા શ્રીમતી સરયૂબેન પરીખની ઉપસ્થિતિથી વિશેષ રંગ ઉમેરાયો. નિર્ઝરી મહેતાએ તેમનું પુસ્તકોથી સ્વાગત કર્યું, લેખિકા સરયૂજીએ તેમના સર્જન અંગે તથા અમેરિકામાં કરી રહેલા સોશ્યલ વર્ક વિશે સરસ અંદાજ આપ્યો. સહુના અનુરોધથી એમણે સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું.”

દેશમાં સારા ફેરફારોમાં, વડોદરા, ભાવનગર અને દિલ્હીમાં ઘેઘૂર, ઘટાદાર વૃક્ષો અજબ લાગ્યાં. વૃક્ષોને કુદરતી ઉપાય સાથે ઝડપી રીતે ઉગાડવા વિશે અર્જુન મુનિભાઈ મહેતાએ મને “FOREST ANYWHERE” sustainable, affordable anywhereનો પરિચય કરાવ્યો. પાવાગઢમાં પોતાના ફાર્મહાઉસમાં ટૂંકા સમયમાં પ્રાદેશિક વૃક્ષોનાં ઉછેરનો બેનમૂન દાખલો બતાવ્યો. અર્જુન, શુભ્રા અને દીકરી આરિઆ સાથે પહેલી વખત પાવાગઢ ડુંગર જોયો.

આ વખતે આંખની સારવાર જોવા મળી. થોડા મહિના પહેલા, મુનિભાઈને આંખના ડોક્ટર પાસે જઈ રેટિના માટે સર્જરી કરાવવી પડી હતી. ભાઈને તકલીફ થાય ત્યારે અનાયાસ આંસુ ઉભરાય આવે. હું ત્યાં હતી ત્યારે follow up surgery કરી. મારી કાચી સમજ પ્રમાણે કહું તો, પહેલી વખત કીકી પાછળ તેલ ભરી રેટિનાને સ્થિર કરે. અને બીજી વખત, તેલ કાઢી, ગેસ ભરી રેટિના એટેચ કરવાની અદભૂત સર્જરી અમે સ્ક્રીન પર જોઈ. ભાઈને ઘરે રહેવાની ડોક્ટરની સલાહને લીધે, અમારે વધારે સમય સાથે રહેવાનો મળ્યો, જે મુલાકાતનો અગત્યનો ઉદ્દેશ હતો.

પ્રભુ! મને સ્નેહ સ્વીકારવાને સક્ષમ બનાવી.
મોકળું આ મન અને દિલના દુલારમાં આપ-લેની ખીડકી ખોલાવી,
નહીં ઈર્ષાની આડ, નહીં વર્ચસ્વ વાડ,
બસ, સહજ, સરળ લાગણીને ઝીલવાને, સક્ષમ બનાવી.

ચાર સપ્તાહમાં દરેક દિવસ વ્હાલભરી સંભાળ મ્હાણી, દિલ્હીમાં ભત્રીજી પૂર્વીને મળી, ઓસ્ટિન પરત થઈ ત્યારે દીકરી સંગીતા ઘરે લઈ આવી અને દિલીપે ફૂલોથી સ્વાગત કર્યું.  ——– સરયૂ પરીખ.

A Delightful note: Almost 60 hours of journey, thousands of people, not a single angry word. There are more peace-loving people in this wonderful world.

Ila gave return birthday gift to her guests of 6 table mats with her Rangoli Designs.

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Anil Sheth
    ઓક્ટોબર 27, 2023 @ 03:27:39

    enjoyable old yadgar with nearest family member..nice trip to old school with brother.

    Liked by 1 person

    જવાબ આપો

  2. Harish Dasani
    ઓક્ટોબર 25, 2023 @ 15:32:10

    સરસ સ્મૃતિઓ અને સ્નેહપૂર્ણ.

    હરીશ દાસાણી.

    Like

    જવાબ આપો

Leave a comment